રવિવાર, 1 એપ્રિલ, 2012

છૂપા વેશમાં

જાણે ફર્યા રાખું છું હું કોઈ છૂપા વેશમાં;
જ્યારથી આવી ચડ્યો છું હું પરદેશમાં.

છે એમ તો દિલ એમનું ય ખૂબ વિશાળ;
બસ,મને જ ન મળી જગા એ નિવેશમાં.

ભાષા ન સમજી શક્યો એના મૌનની હું;
હતો મોઘમ ઇશારો નજરના એ સંદેશમાં.

કંઈક કમી મારી હતી, કંઈક એમની ય;
થઈ દશા એથી પ્રેમની માઠી સંનિવેશમાં.

દિલ તો પાગલ છે કે નક્કી નથી કરતું;
પ્રેમ તો સૌ કરે, ક્યાં અતિ,ક્યાંક લેશમાં.

મળે જો ફરી તો સાચવીને મળજે સનમ;
જોજે, કચડી ન નાખું તને હું પ્રેમાવેશમાં.

આ બેરહેમ દુનિયા ન ચેનથી જીવવા દેશે;
ચાલ, ખોવાઈ જઈએ બન્ને પ્રેમના પ્રદેશમાં.

ઊકેલી શક્યો હું ભલભલી વિટંબણાઓ હું;
ગૂંચવાઈ ગયો છું હું એના ઘુંઘરાળા કેશમાં.

ધોયા છે આંસુંઓથી થોડા ખંડિત સપનાં;
ઉજાગરા રાતભરના રહી ગયા અવશેષમાં.

માણસ જેવો માણસ પણ ક્યાં રહે માણસ?
આવી જાય જો ક્યારેક એ કોઈ આવેશમાં.

હું એનો એ જ, એવો ને એવો રહી ગયો;
આયનો મળ્યા રાખે છે નવા પહેરવેશમાં.

એ જે કહે તે કરતો થઈ ગયો હું અમસ્તો;
હુકમ ન હતો, સ્નેહ હતો એના આદેશમાં.

હૈયું હવે મારું વલોવાય જાય છે વારંવાર;
આ શું થવા બેઠું છે દૂર દૂર મારા દેશમાં?

ન અહિંનો રહ્યો કે ન ત્યાંનો એ થઈ શક્યો;
વિચરતો રહ્યો નટવર શબ્દના સ્વદેશમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું