બુધવાર, 21 માર્ચ, 2012

થાય છે


ઇશ્કમાં ધાકોર અંધારું ય ઝળહળ થાય છે;
ને પછી સાવ કોરી આંખો ખળખળ થાય છે. 

જ્યારે જ્યારે જોયું મેં એ મલાખી આંખોમાં;
મને ડુબાડી દે એવા ગહેરા વમળ થાય છે. 

જ્યારે જ્યારે પુષ્પ ખરી પડે કોઈ ડાળેથી;
કોમળ છે મારું હૈયું, બહુ વિહવળ થાય છે. 

ફૂલો તો ઘણા ય છે રંગબેરંગી ને સુગંધી;
કાદવમાં ઊગી ખીલે એ જ કમળ થાય છે. 

જ્યારે જ્યારે સૂકવે છે એ કેશ અગાશીએ;
મારા મનના આકાશે ય વાદળ થાય છે. 

જ્યાં જ્યાં નિહાળું ત્યાં એને જ ભાળું હું તો;
શું ઇશ્કમાં આંખોમાં ય કોઈ પડળ થાય છે?

બનાવી પ્રભુને પથ્થર પૂર્યો હવે મંદિરમાં;
શું કરે? પ્રભુ જેવો પ્રભુ અવિચળ થાય છે.

બહુ દોડ્યો તો ય હાથમાં ન આવ્યું નસીબ;
હંમેશ એ મારાથી બે ડગલા આગળ થાય છે. 

લખતા લખતા લખાઈ જાય નટવર નજમ;
ઘાયલ દિલમાં લાગણીઓ સળવળ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું