રવિવાર, 18 માર્ચ, 2012

એક અધૂરી કહાણી


કોઈએ ક્યાં કદી એને પુરેપુરી જાણી છે?
આ જિંદગી જાણે એક અધૂરી કહાણી છે.

લીધા છે ઉછીના એના સુહાના સપનાં;
રાતભર ઉજાગરાની સતત ઉઘરાણી છે. 

ભલભલાં દરદ ઓગળી જાય છે એમાં;
દોસ્ત મારા, આંસું ય અદભુત પાણી છે.

ચાલી રહ્યો સાગર કિનારે સાવ એકલો;
તો ય લાગે મારા હાથમાં એનો પાણિ છે.

વાત ન કર રસમ રિવાજની સનમ હવે;
મારા પ્રેમનગરમાં હું રાજા ને તું રાણી છે.

એમ તો સઘળું છે મારી પાસે ઓ સનમ;
તું નથી સાથ સાથ તો સર્વ ધૂળધાણી છે. 

બચપણ મારા, ક્યાં વહી ગયું કહીને મને?
અલક ચલાણી, પે’લે ઘેર સારી ધાણી છે.

પિસાઈ રહ્યો છે હર માનવી એમાં આજે;
આ દુનિયા તો સતત ફરતી એક ઘાણી છે.

એમ તો હતી મજબૂત તો ય તૂટી ગઈ એ;
સંબંધોની રેશમી દોરને જો વધુ તાણી છે.

ઇશ્કની મહેફિલેથી અડધેથી ઊઠી ગયા એ;
પાસ મારી એની અમૂલ યાદની લહાણી છે.

કેવી છે આ શબ્દો સાથેની રમત નટવર?
તારા દિલમાં દરદ,અને લોકોને ઉજાણી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું