શનિવાર, 17 માર્ચ, 2012

છે....


મારી હસ્તરેખાઓ એની એ જ છે;
મારા ભવિષ્યનો એક દસ્તાવેજ છે.

સાવ ખાલી હાથે નથી આવ્યા એ;
સાથ એમની મસ્ત હુશ્નનું દહેજ છે.

નથી કરતા એઓ જરા ય શૃંગાર;
ચહેરા પર ખૂબસૂરતીનું તેજ છે.

હોઠોથી કંઈ કહેવાની જરૂર નથી;
બે અફીણી આંખો બધું કહે જ છે.

લાગણીઓ મારી સાવ પ્રવાહી છે;
એ જો વહેવાની હોય તો વહે જ છે.

ગયા સનમ જ્યારથી તમો અહિંથી;
સવારે ઊગતો સૂરજ નિસ્તેજ છે.

ધૂંધળું આવે છે નજરે હર કંઈ;
એમની યાદમાં આંખોમાં ભેજ છે.

એમને હું વિચારતો રહું છું હરદમ;
એમનું મને યાદ કરવાનું સહેજ છે.

જોયું છે જ્યારે જ્યારે આયનામાં;
એ કહે મને તું તો જે છે તે જ છે.

મરીઝ-એ-ઇશ્કની નથી કોઈ દવા;
ને ઉપરથી આંસુંઓનો પરહેજ છે.

કેવી રીતે આવે નીંદર હવે મને?
એમના સુંવાળા સપનાંની સેજ છે.

હળવેથી ઊંચકશો જનાજો મારો;
દેહમાં મારા સંવેદનાઓ સતેજ છે.

થાક્યો છે નટવર વખતને પડકતા;
ઓ સમય, તારી ગતિ બહુ તેજ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું