શુક્રવાર, 16 માર્ચ, 2012

મરણ મળે


આ તો દુનિયા છે દોસ્ત, અહીં કંઈ પણ મળે;
ધસમસતા દરિયા તળે ય કોરું કટ રણ મળે.

જ્યારે જ્યારે જોવું છું હું મારા આયનાઓમાં;
હર વખતે મને સામે સાવ અજાણ્યો જણ મળે.

બેઠો હોઉં સમી સાંજે ડૂબતા સૂરજના સથવારે;
અને સાવ અચાનક જ એની યાદોનું ધણ મળે.

આવી જો કદી જાય એક લટ એના ચહેરા પર;
મને સાવ નજદીકથી જોવાને ચંદ્ર ગ્રહણ મળે.

થતા થતા થઈ જાય છે ઇશ્ક સહુ કોઈને અહિં;
ને પછી કદી ન રૂઝાય એવા કેટલાંય વ્રણ મળે.

ઓવારી દઊં મારા ભવોના ભવ હું એના પર;
જો એની સાથે જીવવાનું મને એક ક્ષણ મળે.

કદી જો કહે પ્રભુ મને માંગ માંગ માંગે એ આપું;
તો માંગી લઉં હું, મને ફરી મારું બચપણ મળે.

સૌ સગા કંઈ હોતા નથી વહાલા,એ હોય દવલા;
સાવ અજાણ્યા સાથે સાત પેઢીના સગપણ મળે.

આંખો થાય બંધ નટવરની અને એ કદી આવે;
કાશ, એની બાહોમાં મને મનગમતું મરણ મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું