બુધવાર, 14 માર્ચ, 2012

છે


એમના સપનાઓ વાવી રાતભર અમે ઉજાગરા લણ્યા છે;
ઓછા પડે છે હવે આ તારાઓ,એ સઘળા ય અમે ગણ્યા છે.

દોસ્તો, શીખવી રહ્યા એઓ જ અમને રીત પ્રીતની બરાબર;
જેઓ કદી પાઠ પ્રેમના મારી પાસે પ્રેમથી બેસી ભણ્યા છે.

સ્પર્શ્યો છું જ્યારે જ્યારે એમના ફૂલ ગુલાબી હસીન ગાલોને;
ત્યારે અબજો અશ્વો અમારા ધગધગતા રક્તમાં હણહણ્યા છે.

ઊઠી ગયા જેઓ બેરહેમીથી મહેફિલમાં મારી રજૂઆત ટાણે;
તન્હાઈના અસીમ દોરમાં મારી જ નજમ એઓ ગણગણ્યા છે.

ભલે સનમ, મોં ફેરવી લો છો રસ્તામાં અમને સામે નિહાળીને;
પણ અમે એ ય જાણીએ આપ મનોમન અમને જ પરણ્યા છે.

તમે એક નજરથી ઇશારો કરી દીધો નજર મેળવીને, ઝુકાવીને;
એક અડછડતા ઇશારા પર અમે કેટલાં ય પ્રેમનગરો ચણ્યા છે.

પાથરીને પથ્થરો અમારા પ્રેમ પંથ પર ચાલ્યા ગયા છે એઓ;
જેમના મારગમાંથી હર કંટકો અમે પાંપણે પાંપણે વણ્યા છે.

શબ્દો સાથે રમતા રમતા થઈ ગઈ છે હવે નટવરને મમતા;
મનગમતાં મીઠા મધુરા દર્દ સાથે એ શબ્દો અમે ખુદ જણ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું