રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

શું નવાજૂની છે?


લોકો મળે ત્યારે પૂછે છે મને યાર, શું નવાજૂની છે?
શું કહું હું સનમ? કહું કે તારા વિના જિંદગી સૂની છે.

ન પૂછ તું દોસ્ત મને કેવી છે મારી વહાલી સનમ?
શું કહું તને?એના જેવી બીજી ક્યાં કોઈ માનુની છે!

જાગતો રહું રાતભર પડખા ફેરવી કંટક શૈયાએ હું;
એમ તો પથારી મારી  સુંવાળા શીમળાના રૂની છે.

દોસ્ત બની  બની મળ્યા રાખ્યા છે મને મારનારા;
કેવી રીતે હું કહું કે મારો જ જિગરી મારો ખૂની છે!

નથી અટકતો સમય કોઈની રાહ જોઈને દોસ્ત મારા;
આ જ પળ છે તારી, વીતી ગયેલ હર પળ જૂની છે.

જળ ઝાંઝવાનું ઊડી ગયું છે વાદળ બની અવકાશમાં;
બળબળતાં સળગતા રણમાં આજ હવા વધુ ઊની છે.

કેવી રીતે વિતાવવો આ કપરો સમય એકલા એકલા?
ઓ કાળ દેવતા મારા, તારી તો હર ચાલ દો દૂની છે.

કરવી હોય એ કરો સજા મને દોસ્તો,મંજૂર છે એ મને;
ઇશ્કમાં આમ એકલા એકલા જીવવું સાવ ગેરકાનૂની છે.

કરતો રહું ખુદની સાથે સનમ તારી જ વાતો તન્હાઈમાં;
મિત્રો ભલે કહેતા રહે દિવાનો નટવર તો સાવ ધૂની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું