બુધવાર, 15 ફેબ્રુઆરી, 2012

યારી છે.....

આંખ સાથે આંસુની સારી વફાદારી છે;
એક ટપકે, બીજું આવવાની તૈયારી છે.

રહેવા દે વાત દિલની કહેવાની દોસ્ત;
એ સમજે એટલી  ક્યાં સમજદારી છે?

વાત વાતમાં મારી વાત કરે સખીઓને;
ચાલો આટલી તો એમની તરફદારી છે.

નજર પહોંચે ત્યાં સુધી જોતો રહું છું હું;
એક ઝંખના એના દર્શનની પરબારી છે.

રોજબરોજ સવાર સાંજ ફેરા કરું ગલીના;
કદી તો ખૂલશે ભલે આજે બંધ બારી છે.

નસીબ મારા,કેવી રીતે રહું તારા ભરોસે?
તારી તો હર હલચલ સાવ અણધારી છે. 

હળવેથી ઊંચકશો અરમાનોનો જનાજો;
ભલે લાગે ખાલીખમ,તો ય બહુ ભારી છે.

લખતા લખતા બસ લખાય જાય નટવર;
હરેક શબ્દ સાથે મને ય ખાસી યારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું