રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

શું વીતી છે??


ન પૂછ સનમ,ઇશ્કમાં મારા પર શું વીતી છે;
ખુદને હારીને મેં તો તને માંડ માંડ જીતી છે.

જ્યાં નિહાળું ત્યાં તને નિહાળું ને તું ભાળે મને;
આપણા બન્નેની સનમ,સાવ અનોખી પ્રીતિ છે.

સમજી જાય છે લોકો મારી હાલત તને જોઇને;
તારી બે અફીણી આંખોમાં મારી આપવીતી છે.

ફરતો રહું છું હરદમ હું તો તારી જ આસપાસ;
તારી નશીલી નજર જ હવે મારી પરિમિતિ છે.

ખોટા પડ્યા રાખ્યા મારા પ્રેમના સહુ  પ્રમેય;
જિંદગીમાં સહુથી કઠિન પ્રેમની આ ભૂમિતિ છે.

બે ઘાયલ દિલને ભેળવે છે ક્યારેક ભગવાન;
ને કરી દે વિખૂટાં,આ તો સરાસર અનીતિ છે.

કેવી રીતે કરે નટવર બયાં એ ઇશ્ક નજમમાં?
ઇશ્કની ય ક્યાં કોઈ સીમિત અથ થી ઇતિ છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું