બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

દિલમાં વસીને

મળતા હતા એઓ મને ક્યારેક હસી હસીને;
મહેફિલમાં બેઠાં છે એ મારાથી દૂર ખસીને.

યુગો બાદ સાવ અચાનક મળ્યા હતા અમે;
મને તો હતું મળવા આવશે એ મને ધસીને.

ન બાંધી રાખ્યો ન છેક છોડ્યો મને એમણે;
દોર નજરનો પકડ્યો છે એમણે બહુ કસીને.

ભર ચોમાસે ય હું સાવ કોરો કોરો રહી ગયો;
મારા ભાગની વાદળી વિખેરાઈ બીજે વરસીને.

પીધા રાખ્યા જળ ઝાંઝવાંના જિંદગીભર મેં;
પ્યાસ મારી મરી પરવારી તરસી તરસીને.

પ્રેમનો મારગ છે સુરાનો નહીં કાયરનું કામ;
ભલભલાં ભોંય ભેગા થયા છે અહિં લપસીને.

પ્રેમની જ્વાળા તો ઊઠવાની જ હતી ત્યાં પણ;
આવ્યો છું હું પણ ચકમક સાથે લોહ ઘસીને.

જિંદગી ક્યાં રહી છે હવે મારી?છે એ તમારી;
જીવી રહ્યો થોડા ઉછીના અધૂરાં શ્વાસ શ્વસીને.

ન કોઈ અતો ન કોઈ પતો છે હવે નટવરનો;
થઈ ગયો એ મશહૂર આપના દિલમાં વસીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું