ગુરુવાર, 1 માર્ચ, 2012

ફરી ફરી..........

ત્યારે મને  એમની લાગણી સમજાય ખરેખરી;
જ્યારે મને મળ્યો એમનો એક  ખત આખરી.

ગયા એઓ જિંદગીમાંથી મારી સાવ અચાનક;
જાણે સાવ જ અટકી ગઈ મારી ધરતીની ધરી.

રાહ જોઈ રહ્યો છું તન્હા કિનારે સાવ એકલો હું;
કદીક  આવશે એઓ મારા આંસુંની નદીને તરી.

આંખ મારી વારાફરતી વારે વારે ફરકી જાય છે;
એઓ મને ત્યાં બહુ યાદ કરે, થઈ મને ખાતરી.

હતું એક દિલ મારું, થયા એના હજાર ટુકડાઓ;
આપ્યું હતું જેમને સાચવવા એ જ ગયા વેતરી.

જ્યાં પડ્યા કદમ એમના, ત્યાં ત્યાં સજદા કર્યા;
એમના પગલે પગલે બેઠો હું તો પુષ્પો પાથરી.

રંજ જરા નથી મને કે હું છેતરાય ગયો સાવ જ;
દરદ એટલું છે કે દઈ ગયો દગો  મારો જિગરી.

કહેતા રહે છે સૌ કેમ જિવાશે એમના ગયા બાદ;
તો ય મરનારની પાછળ તો કોઈ જતું નથી મરી.

ઘણી ય વાર નક્કી કર્યું નટવરે કે ન લખશે કદી;
હૈયું વલોવાય એવું એણે લખ્યા રાખ્યું  ફરી ફરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું