સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

વહાલ કરે છે....

મને તો એમ હતું કે એ મને બહુ વહાલ કરે છે;
નજમ મારી વાંચી એ બીજાનો ખયાલ કરે છે.

આજકાલમાં મળવાનું આવી કહી કદી ન આવે;
સપનાંમાં આવી સતાવી બહુ બુરા હાલ કરે છે.

મહેફિલમાં મળે છે સહુને મને છેક અવગણીને;
નજરોનાં નજરાણાથી સહુને માલામાલ કરે છે.

પડી જાય કદી નજર મારી એના પર અચાનક;
શરમ ઓઢી એ ગુલાબી ગાલ લાલ લાલ કરે છે.

ચાહું તો ય આપી ન શકું જવાબ હું કદી એને;
નજરો નચાવી મને બહુ કઠિન સવાલ કરે છે.

મારા દિલના બદલામાં માંગ્યું છે મેં દિલ એનું
આ નાનકડી મારી માગણી ક્યારે બહાલ કરે છે?

એના હર કદમે કદમે પાથરતો રહ્યો દિલ મારું;
ઠોકરે મારી મારા દિલને મતવાલી ચાલ કરે છે.

વીતી રહી છે જિંદગી મારી બસ એ ઇંતેજારમાં;
જીવનમાં મારા આવી ક્યારે મને ન્યાલ કરે છે?

લખતો રહ્યો નટવર એના દિલને રાજી રાખવા;
મિત્રો મારા અમસ્તાં કહે યાર, તું કમાલ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું