શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

પ્રેમનો નિબંધ

તારી અને મારી વચ્ચે ઓ સનમ, આ તે કેવો સુંવાળો સંબંધ છે ?
જેમાં આપણા પ્રેમનો થોડો થોડો ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.

અસીમ તન્હાઈમાં એવું તો કેટલીય વાર મહેસુસ કર્યું છે મેં સનમ;
ડૂબી રહ્યો છે સૂરજ દૂર ક્ષિતિજે ને તારું શિર છે અને મારો સ્કંધ છે.

 
હાલતા ચાલતા થઈ ગયા ગુમરાહ, આંસું ભરી છે જીવનની હર રાહ;
આવી આંખમાં જાજા ટકતા નથી,આંખને આંસુને કેવો ઋણાનુબંધ છે?

ચંપો ચમેલી મોગરો ગુલાબ ચંદનની શું વિસાત તારી સામે સનમ?
ભલે તું નથી રહી આસપાસ મારી,મારા શ્વાસ શ્વાસમાં તારી સુગંધ છે.

કાફી છે દિલની નજર તને જોવા માટે, સ્પર્શવા માટે, માણવા માટે;
જ્યાં જોઉં ત્યાં તને જ નીહાળું છું, કોણ કહે છે ભલા કે પ્રેમ અંધ છે ?

મળી ને ભલે અલગ થઈ ગયા બે દિલ કે જાણે કદી જુદા જ ન હતા.
તારા વિના જીવન હોય ય કેવું? આ શ્વાસ ચાલુ છે જીવવાનું બંધ છે.

દિલની વાત દિલ સમજે, ઘાયલની સાચી ગત ઘાયલ જ જાણે ને?
લખી ભલે ‘નટવરે’ નાનકડી નજમ, દિલથી વાંચશો,પ્રેમનો નિબંધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું