બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

લત


કહો દોસ્તો આ તે કેવી મને લાગી ગઈ છે લત?
પામર એવું મન મારું એની યાદોમાં રહે છે રત.

હું તો સમરતો રહું છું હર ઘડી હર પળ એને જ;
ન કરે એ મને યાદ, એ તો છે સાવ જ ગલત.

જ્યારે જ્યારે જોયું મેં એની બે અફીણી આંખોમાં;
મને તો યારો,નજરે આવે આખેઆખું મારું જગત.

મારા લાખ બોલાવ્યે ન આવે એ મારા શમણાંમાં;
એના એક ઇશારે હું પહોંચું એના સપનામાં તરત.

એની  પાસે તો નથી સમય મારા માટે જરા ય;
કમબખ્ત મારો ય ચાલી રહ્યો છે ખરાબ વખત.

હશે કોઈ તો મજબૂરી એની,એણે પ્યારી કરી દુરી;
બાકી કંઈ છેક એવું નથી કે એમનું હૈયું છે સખત.

જતા જતા ન આપી ગઈ એ સરનામું મને કોઈ;
કેવી રીતે પહોંચાડવો મારે  મારો આખરી ખત?

લખતા લખતા નટવર તો થઈ ગયો છે લહિયો;
તો ય ન સમજાવી શક્યો અઢી અક્ષરની વિગત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું