મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

લગાવ રાખ

ભલે રહે દૂર દૂર પણ થોડો લગાવ રાખ;
સપનામાં તો સપનામાં, તું આવજાવ રાખ.

કોણ જાણે ક્યારે આવી ચઢે ભરતી રણમાં;
બળબળતાં રણના કિનારે તારી નાવ રાખ.

ગમવા લાગશે પ્યારમાં પડેલ હર જખમ;
એક મનગમતો હરદમ દૂઝતો ઘાવ રાખ.

વહી જશે લાગણીના પુરમાં જિંદગી ક્યાંક;
ઉછાળા મારતી લાગણીઓ પર દબાવ રાખ.

નદી નાવ અને સંજોગ બદલાતા રહે હંમેશ;
ભરતી અને ઓટમાં સરખો તું સ્વભાવ રાખ.

જિગરમાં હોય જખમ,દિલમાં હોય ભલે દર્દ;
ચહેરા પર નટવર ખુશીના તું હાવભાવ રાખ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું