મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

જીવી રહ્યો છું

ફરી તને મળવાની ચડસ લઈને જીવી રહ્યો છું;
તારી મધુરી યાદની જણસ લઈને જીવી રહ્યો છું.

પી ગયો છું ઇશ્કની આગનો દરિયો આખે આખો;
તારા સુંવાળા સ્પર્શની તરસ લઈને જીવી રહ્યો છું.

હમણાં આવું કહી કદી ન આવી તું ફરી જિંદગીમાં;
પળ લાગે યુગ એવા વરસ લઈને જીવી રહ્યો છું.

જાગતી આંખોમાં આંજ્યા મેં રંગબેરંગી ઉજાગરા;
ચારે તરફ તેજોમય તમસ લઈને જીવી રહ્યો છું.

ભલે તું નથી આજ મારી આસપાસ તો શું થયું ?
હું તો તને મારી અરસપરસ લઈને જીવી રહ્યો છું.

શબ્દોમાં પૂર્યા છે પ્રાણ નટવરે જીવ આપીને તને;
કવન કરવાનો અદભુત રસ લઈને જીવી રહ્યો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું