બુધવાર, 28 ડિસેમ્બર, 2011

નિરાંતે બેઠો છું...


સનમ,તું મારી જ છે એમ ધારીને નિરાંતે બેઠો છું;
જિંદગી મારી તારે નામે ઉધારીને નિરાંતે બેઠો છું. 

ડૂબી ગયો ભલે હું મઝધારે બેપનાહ મહોબ્બતમાં;
નૈયાઓ કેટલાયની કિનારે તારીને નિરાંતે બેઠો છું. 

એને મનાવવાની તો હજુ બાકી જ છે દોસ્ત મારા;
તને કેમ એમ લાગ્યું કે,પરવારીને નિરાંતે બેઠો છું? 

સજાવી દીધી છે મનોહર તસવીર દિલની દિવાલે;
ઘરની ભીંતેથી છબી બધી ઉતારીને નિરાંતે બેઠો છું.

 લાગી લાગી લાગી, પ્રેમ અગન લાગી તનમનમાં;
આંસુંથી પાવક પ્રેમ અગન ઠારીને નિરાંતે બેઠો છું. 

જીતી ન શક્યો દિલ હું કોઈનું,ન જીતવા દીધો મને;
મારું અડિયલ હઠીલું હૈયું છેક હારીને નિરાંતે બેઠો છું. 

છ ફૂટ બાય ત્રણ ફૂટની એક કબર પૂરતી છે દોસ્ત;
કોણ જીવે છે અહીં? ખુદને મારીને નિરાંતે બેઠો છું. 

લખતા લખતા આ નટવર પણ થઈ ગયો લહિયો;
યાદમાં તારી મસ્ત નજમ મઠારીને નિરાંતે બેઠો છું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું