એ વરસાદના પાણીમાં કાગળની હોડીનું તરણ
કોઈ મને આપો ક્યાંક ખોવાયેલ મારૂં બચપણ
કબડ્ડી, ગિલ્લીદંડા, લંગડી, સાતતાળી ને સંતાકૂકડી
ને મને હજુ ય યાદ છે ઢીંગલા ઢીંગલીનું સગપણ
કેવી હતી સખી સહિયારા અને દોસ્તોની વળગણ
કનુ-મનુ,સીતા-ગીતા અને ક્યાં ખોવાયો રંગીલો રમણ?
કેટલી મજા હતી રમવાની લડવાની ને જમવાની !!
મ્હોંમાં આજે ય લાવે પાણી કાચી કેરી ને ખાંડનું જમણ
મેળે જવું અને મહાલવું ને બેસવું એ ચકડોળમાં
બાએ કરેલ બધી વાર્તાઓનું હજુ ય મને સ્મરણ
ફરી ચકડોળ જિંદગીની ઝડપથી ન પડી એ ખબર
ને દબાતે પગલે હવે તો આવી ગયું આ ઘડપણ !
આવે જ્યારે જ્યારે યાદ જીવનની એ મધૂરી પળો
ફૂટે છે આ મોતિયાવાળી આંખોમાં આસુંના ઝરણ
નથી આવવાના ફરી એ મનગમતા સોનેરી દિવસો
કોઈક તો આપો આ ‘નટવર’ને એટલી સમજણ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું