મળે તો છે એઓ પણ મુલાકાત નથી થતી!
ચાર હોઠ થરથરે છે ખામોશ,વાત નથી થતી!
અંતની ચિંતા ય સતાવતી હશે એમને શાયદ!
આરંભ કરવો છે ઇશ્કનો, શરૂઆત નથી થતી !
ગયા છે છોડી ગલી મારા ગામની એવી રીતે!
હવે એ ગામમાં હવાની યાતાયાત નથી થતી!
હોય એકાદ શખ્સ બૂરો, એની શિ કરવી ફિકર?
એકના ખરાબ થવાથી દુષ્ટ જમાત નથી થતી.
સૂરજ તો ક્યારનો ડૂબી ઊગ્યો બીજી ક્ષિતિજે!
કમબખ્ત શહેરમાં મારા કદી રાત નથી થતી!
કેટલીક ગઝલો ને નજમો સાવ અંગત હોય છે!
સર-એ-મહેફિલ એની કંઈ રજૂઆત નથી થતી!
આવી ચઢે વખત કવખત એઓ ફૂલો ચઢાવવા!
કબરમાં સૂતા પછીય નટવર નિરાંત નથી થતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું