ગુરુવાર, 18 જૂન, 2015

માણસ તો ભાઈ માણસ છે...

માણસ તો ભાઈ માણસ છે, એ બદલાય જાય છે;
બદલાયેલ માણસ મળે સામો, ગભરાય જાય છે.

અમારી એક નજરની એવી અસર થઈ છે એમને;
નિહાળી આયનામાં ખુદને એઓ શરમાય જાય છે.

ભીની લીલીછમ લાગણીઓ છાંટતા રહેશો સનમ;
સંબંધ જેવા સંબંધ પણ નહીંતર કરમાય જાય છે.

થોડી બેવફાઈ પણ જરૂરી હોય છે ક્યારેક ક્યારેક;
આશિકી સનમની ત્યારે ખરેખર પરખાય જાય છે.

અમુક ઇચ્છાઓ કદી સાથ છોડતી નથી માણસનો;
એ ઇચ્છાઓ માણસ સાથે કબરમાં ધરબાય જાય છે.

દૂર દેશમાં કોઈક અનાયાસ યાદ કરતું હશે કે નહીં?
હેડકી આવે મને, દિલ મારું સહજ હરખાય જાય છે.

કેટલી ય વાર તય કર્યું છે નટવરે નાહક ન લખવું;
કમબખ્ત એને આદત છે, એનાથી લખાય જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું