શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

ઉધારી...

સરભર કરો કે કરો ઉધારી;
જે કંઈ કરો એ કરો વિચારી.

વધુ યાદ આવીશ હું આપને;
એક વાર જુઓ મને વિસારી.

ઘણી ભૂલો રહી છે હિસાબમાં;
કરો હવે એકડેએકથી મઠારી.

સાવ અજાણ્યો લાગ્યો મને હું;
આયનામાં જોયું મેં ધારી ધારી.

સાવ ચોખ્ખું નજરે આવે હવે;
આંખોને હમણાં જ મેં નિતારી.

આંખો એમની હા કહેતી રહી;
એમનાં હોઠે ભલે વાત નકારી.

આ દુનિયા પણ દુનિયા જ છે;
એ પણ કરશે વાતોને વધારી.

સાચવજે નટવર એનાથી હવે;
હોય છે લાગણીઓ બહુ નઠારી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું