સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

જંગ છે...

ન જાણે કેમ વાતાવરણ આજકાલ તંગ છે;
કેવી રીતે જીતુ હું? ખુદની સાથે જ જંગ છે.

ક્યાં ય નથી દેખાતી તડ, ન દેખાય સાંધો;
લાગે એ અખંડ,દિલ મારું અંદરથી ભંગ છે.

મેઘધનુષ ત્યારે જ પહેરે સપ્તરંગી ઓઢણી;
જ્યારે થોડા વાદળોનો ઘનઘોર ઘેરો રંગ છે.

ન સમજી શક્યો હું એમના ઇશારાની ભાષા;
કહી દીધું મને એમણે,તુ સાવ જ અડબંગ છે.

કેવો મુકામ જિંદગીનો ને કેવો છે આ પડાવ?
કોઈ નથી આસપાસ, પડછાયાનો સત્સંગ છે.

કેવી રીતે કરું એમને અલગ જેઓ થયા જુદા;
ભલે તન એમનું અલગ,લાગે મારુ જ અંગ છે.

સૌંદર્ય એમનું એવું અણમોલ, અજોડ છે યાર;
નિહાળીને એમને સહુ આયનાઓ પણ દંગ છે

ન સમજ્યા જે જે તારી સહુ કવિતાઓ નટવર
એમને મન એ બધા જ તારા મનનાં તરંગ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું