મંગળવાર, 24 જૂન, 2014

અજીબ નથી...

વાત સાવ સાચી છે, પણ અજીબ નથી;
છે મારી પાસે પણ મારી કરીબ નથી.

રેખાઓ તો ઘણી છે મારી હથેળીઓમાં;
હાય રે!મારા  હસ્તમાં મારું નસીબ નથી.

મારાથી ન વાત છુપાવ મારી જ વાત;
તું તો મારો દોસ્ત છે, કોઈ રકીબ નથી.

કરો દુઆ મારા માટે, મરીઝ-એ-ઇશક છું;
દવા કરે આ મરજની એવો તબીબ નથી.

હૈયામાં જેના હામ હોય ને હોઠ પર હાસ્ય;
હોય ભલે મુફલિસ, શખ્સ એ ગરીબ નથી.

અણીના સમયે સાથ આપ્યો લાગણીઓએ;
કોમળ લાગણીથી કુશળ કોઈ હબીબ નથી.

બોલાવી મને મયખાને પ્યાસો રાખે સાકી;
સાકી, આ તારી કોઈ સારી તહઝીબ નથી.

એઓ ભલે મને વીસરી ગયા હસતા રમતા
;
એમને ભૂલવાની મારી પાસે તરકીબ નથી.

ખભે રાખી રોજ ફરતો રહ્યો છે નટવર જેને;
લટકાવ્યોતો ઈસુને એવી એ સલીબ નથી.


[તહઝીબ= શિષ્ટાચાર (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન), સલીબ= सलीब =ક્રોસ, જેના પર ઇસુ મસીહાને લટકાવવામાં આવેલ (સંદર્ભઃ હિન્દી વર્ડનેટ)]


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું