રવિવાર, 22 જૂન, 2014

અરથ લાગણીનો ....

જે શખ્સ અરથ લાગણીનો સમજતો નથી;
એ ભર વરસાદમાં ય કદી પલળતો નથી.

કેવી રીતે તમને મળવા આવું સનમ, કહો;
ખોવાયો છું હું, હું મને જ હવે મળતો નથી.

સાકી,ન જો તું આમ તાકી તાકી એ જામને;
મેં નથી પીધું,  જો શાયદ એ ગળતો નથી?

લઈ ગયા આંખોમાં કેદ કરી મારા સમયને;
ગયા છે એ ત્યારથી સૂરજ પણ ઢળતો નથી.

મન મૂકીને તરસ્યો છું દરિયો પ્યાસનો પીને;
કોરો કોરો છું ને એ કહે તું કદી વરસતો નથી!

આયનો મારો મને બરાબર ઓળખી ગયો છે;
ચહેરો એનો એ હવે મને જોઈ બદલતો નથી.

લખું ત્યારે એ કહે બહુ લખ્યા કરે છે નટવર;
ન લખું ત્યારે એ જ કહે કેમ હવે લખતો નથી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું