રવિવાર, 4 મે, 2014

વ્રણ લઈને મળે...

કોઈ આંખોમાં રણ લઈને મળે;
તો કોઈ ત્યાં ઝરણ લઈને મળે.

જે મને વીસરવાનો પ્રયત્ન કરે;
એ જ મારું સ્મરણ લઈને મળે.

ગોધૂલી થવા આવી છે હવે તો;
કોઈ યાદોનું ધણ  લઈને મળે.

અંતિમ શ્વાસ વિશે વિચાર્યું કદી?
જન્મ જ કદી મરણ લઈને મળે.

લાખ લાખ લોકોમાં રહ્યો એકલો;
કોઈક જાણીતો જણ લઈને મળે.

ઝાંઝવાંના સરોવર જો છલકાવ્યા;
તો સૌ ઇચ્છાનું હરણ લઈને મળે.

હવે ઊંઘાડો પડી ગયો હર શખ્સ;
એ ત્વચાનું આવરણ લઈને મળે.

એ રાહ પર કદી ન જવું યાર જ્યાં;
હર કોઈ થાક્યા ચરણ લઈને મળે.

શું લખવું? શેના વિશે લખવું હવે?
કાશ! કોઈ નવું કારણ લઈને મળે!

કોને બતાવે એના જખમ નટવર?
સહુ એને તાજાં વ્રણ લઈને મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું