શનિવાર, 26 એપ્રિલ, 2014

તિરાડ...

દિલની દિવાલોમાં પડે છે એક તિરાડ;
જ્યારે કપાય ક્યાંક એક લીલુંછમ ઝાડ.

કોઈએ એ ન સાંભળી આખાં વગડામાં;
બચારાં એ વૃક્ષે પાડી હશે કેટલીય રાડ.

ચોરી ગયું ચુપકીથી મારાં સપનાઓને;
કહો, કોણે પાડી છે મધરાતે આ ધાડ?

હસતાં  હસતાં એ જ દઈ જાય છે છેહ;
જેને સાથે કદી લડાવ્યા હોય છે લાડ.

એ દેશનું શું થશે? સમજ નથી પડતી;
જ્યાં ત્યાં હર રોજ ચીભડાં ગળે છે વાડ.

આશા રાખી છાંયડાના હું તપતો રહ્યો;
હાય રે! ઊછેર્યો હતો આંગણમાં તાડ.

કાન દઈને સાંભળતો તો સંભળાશે એ;
ઘેરી તન્હાઈમાં ખામોશી પાડે છે દહાડ!

વજન નથી તોય એ ભારે બોજ જેવું છે;
શિર પર ચઢાવ્યો છે મેં યાદોનો પહાડ.

રાહ છે તો ક્યાંક મંજિલ પણ હશે યાર;
બસ એક વાત તો તું કદમ તારા ઉપાડ.

ડચકા ખાઈ ખાઈ જીવી રહ્યો છે નટવર;
કાપશો ન કોઈ એની શબ્દો સાથેની નાડ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું