શનિવાર, 1 માર્ચ, 2014

...હવે ક્યાં જાઉં?

બાકી જે બચ્યા છે એ અધૂરાં શ્વાસ લઈને હવે ક્યાં જાઉં?
હાથે કરી ઠગાયો તો નવો વિશ્વાસ લઈને હવે ક્યાં જાઉં?

દરિયો ઇશ્કની આગનો તરી તરસ્યો રહ્યો હું ભવોભવથી;
તડપતા સુકા હોઠોની અસીમ પ્યાસ લઈને હવે ક્યાં જાઉં?

ચાંદસો ચહેરો છુપાવ્યો છે એમણે એ અદાથી પાલવમાં;
જાગતી આંખોમાં ઊગતી અમાસ લઈને હવે ક્યાં જાઉં?

મળે તો ય કદી મળતું નથી આકાશ ધરતીને દૂર ક્ષિતિજે;
જુદાઈમાં છે એ મિલનનો આભાસ લઈને હવે ક્યાં જાઉં?

મારી હસ્તરેખામાં કોણ જાણે કોનું કોનું ભાવિ લખ્યું પ્રભુએ!
રહી ગયેલ ભાવિનો અગમ ઇતિહાસ લઈને હવે ક્યાં જાઉં?

ફકત નજરથી સ્પર્શ્યો છું અજાણતાં એક કમસીન ચહેરાને;
મારા રોમ રોમ મહેકી રહી એ સુવાસ લઈને હવે ક્યાં જાઉં?

લાખ લાખ લોકમાં રહીને રહી જવાય છે સાવ એકલવાયા;
મારા ખભે છે એ એકલતાની લાશને લઈને હવે ક્યાં જાઉં?

લખતા લખતા ન લખવાનું ય લખાય જાય છે દોસ્ત મારા;
રહી ગયા બાકી જે થોડા અંત્યાનુપ્રાસ લઈને હવે ક્યાં જાઉં?

સૌએ હરદમ જોયો છે ફક્ત તારો હસતો જ ચહેરો નટવર;
ચહેરો જે ખરેખર છે સાવ ઉદાસ લઈને હવે ક્યાં જાઉં?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું