શનિવાર, 1 માર્ચ, 2014

હશે...

મારા  ઇશ્કની ખબર  એમને જરૂર બહુ મોડે  મોડે પડી હશે;
એથી જ એમણે  મારી છબી દિલમાં  નહીં દિવાલે જડી હશે.

આવે આંસુંઓ તો અટકતા નથી, અટકે કદી તો ટકતા નથી;
જાણ છે કોને મારી આ હસતી આંખો કેટલી ય વાર રડી હશે.

એમ તો હતો ફાસલો બે  કદમનો મારા અને એમના વચ્ચે;
એ શું જાણે મારા હર કદમ કદમ પર દુનિયા મને નડી હશે.

હસતા હસતા આંખો  એમની ય છલકાય ગઈ હશે બન્ને કાંઠે;
જ્યારે સાવ અચાનક અંગત ડાયરીમાં પંક્તિ મારી જડી હશે.

દિલ કોઈનું જીતવું એટલું આસાન નથી એની જાણ થઈ મને;
જ્યારે હરાવવા મને ખુદની જાત મારી સાથે સતત લડી હશે.

રાહ-એ-ઇશ્ક પર ચાલતા ચાલતા સાવ ભીંસાયો હું ચપોચપ;
કદમ માંડ્યા ત્યારે જરા જાણ ન હતી ગલી ઇશ્કની સાંકડી હશે.

જીવતો હતો ત્યારે ન હતું કદી વિચાર્યું નટવર કે એવું ય  થશે!
તારી નનામીને કાંધ મારવા દોસ્તો દુશ્મનો વચ્ચે પડાપડી હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું