શનિવાર, 18 જાન્યુઆરી, 2014

રમતા રમતા...


રમતા રમતા આવી ગયો હું એમના લાગમાં;
થોડા આંસુંઓ બચાવ્યા એમણે મારા ભાગમાં.



હસતા હસતા મરી ગયો હું એમની અદા પર;
જાલિમ મરશિયા પણ ગાય છે મધુર રાગમાં.



આવતા જતા રહેશો મળવા મને તમે અહીંયાં;
તમને નિહાળી ફૂલોય વધારે મહેકે છે બાગમાં.



સો ટચનું સોનું છું પાર ઊતરીશ હર કસોટીથી;
તપાવો મને તમે એક વાર વિરહની આગમાં.



છૂપાવ્યે નથી છુપાવાનો, કરો કોશિશ ગમે એ;
છે રંગ પાકો ઇશ્કનો તમારી ચૂંદડીના દાગમાં
.



મને વીસરવો હોય તો સાવ સહેલું છે સનમ;
વહાવી દેજો મારા પ્રેમ પત્રો તમે પ્રયાગમાં.

કરો ગમે એટલો પ્રયત્ન પણ છું હું બહુ હઠીલો;
ધબકતો રહીશ તમારા દિલના એક વિભાગમાં.

ન કદી નજરમાં રાખ્યો, ન મને ઘરમાં રાખ્યો;
થાય છે ગણતરી હવે નટવરનીય વીતરાગમાં.





(વીતરાગ=જેની આસક્તિ નષ્ટ થઈ ગઈ હોય તેવું, અનાસક્ત, વીતરાગી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું