શુક્રવાર, 5 જુલાઈ, 2013

એકબીજાને ફરી મળીએ....

ડૂબીને ઇશ્કના ગહન દરિયામાં સાવ તળિએ;
સાવ અજનબી થઈ એકબીજાને ફરી મળીએ;

ને થઈએ ફરી જો જૂદા કદી એકમેકથી સનમ;
તો પછી વિરહ વેદનામાં બન્ને છેડેથી બળીએ.

ખોવાઈ જઈએ બન્ને એકમેકની આંખોમાં સહજ;
બેરહેમ દુનિયા આખીને આપણે એમ છળીએ. 

ન તો એકલાં તનથી, ન એકલા પામર મનથી;
ઓગાળી સમગ્ર અસ્તિત્વને એકમેકમાં ભળીએ.

નથી તારે પહેલ કરવાની,ન તો કરું હું શરૂઆત;
એક સાથે, એકબીજા તરફ સાવ સહજ ઢળીએ.

ન કોઈ નવું નામ આપો આપણા આ સગપણને;
કોઈ બેનામ સંબંધથી આપણે ખુદને સાંકળીએ.

રાહ બદલાય જ્યાં સર-એ-રાહ ચાલતા ચાલતા;
ચાલ નટવર, હવે આપણે ત્યાંથી પાછાં વળીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું