શનિવાર, 29 ડિસેમ્બર, 2012

તો કોઈ વાત બને...

જો તમને મારી આ વાત ગમે તો કોઈ વાત બને;
મને જોઈને તમારી નજર નમે તો કોઈ વાત બને.

એમ તો સાથ આપવા માટે હજારો મળે છે અહીં;
પણ ભોમિયા વિના કોઈ ભમે તો કોઈ વાત બને.

મંદિર મસ્જિદ ગુરુદ્વારા દેવળ ન જવાય તોય શું?
જો રડતા બાળક સાથે કોઈ રમે તો કોઈ વાત બને.

તને એકાદ વાર છપ્પન ભોગ ન ચઢે તો શું થયું?
તારા ભુખ્યા ભક્તો બે ટંક જમે તો કોઈ વાત બને.

ભલેને હોય આદત ઝંઝાવાતની હોલવી દેવાની;
હોલવાતો દીપક વધારે ટમટમે તો કોઈ વાત બને.

પ્યાસ સહરાની લઈને ફરતા હતો હું તો દરબદર;
કોઈના પ્રેમના ઝમઝમથી શમે તો કોઈ વાત બને.

એમ તો સમય વહેતો રહે છે એક સરખો હર પળ;
સાથે હો તમે અને એ વહે ધીમે તો કોઈ વાત બને.

જખમ તો સહુ કોઈને મળે છે પ્યાર કરતા કરતા;
હસતા હસતા હર કોઈ એ ખમે તો કોઈ વાત બને.

રાહમાં આંખ બંધ થાય નટવરની આખરી વેળાએ;
અને મારી નજરની સામે હો તમે તો કોઈ વાત બને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું