શનિવાર, 29 ડિસેમ્બર, 2012

પ્યારનો ઘડો...

ભલે સનમ, તમને આ વાતનો કદી ય ન મળે કોઈ ધડો;
ખોવાઈ જાવ ખુદને શોધતા તો મારા દિલમાંથી તમે જડો.

તરબતર થઈ અંદર બહારથી ભિંજાઈ જશો મારા પ્યારમાં;
બસ, એક વાર શિર પર મૂકો છલકાતો મારા પ્યારનો ઘડો.

વીસરવાનો પ્રયાસ કરશો મને એટલો વધુ યાદ આવીશ હું;
થઈ જશો ઘાયલ, મને વીસરવા જાત સાથે આટલું ન લડો.

આ પ્રેમ પંથ છે સાવ લપસણો,નથી કાયરનું કામ એ સનમ;
જેમ સાચવીને ચાલશો એમ એમ ડગલે ડગલે પ્રેમમાં પડો.

એક કરતા વધુ ચહેરાઓ બતાવશે તમારો જ આયનો તમને;
માનો કે ન માનો, કમબખ્ત આયનામાં ક્યાં ન હશે કોઈ તડો.

વધતોને વધતો રહેશે દિન પ્રતિદિન આપણો આ પ્યાર સનમ;
પ્યાર કરતાં કરતાં રોજ થોડું થોડું ભલે તમે મારી સાથે લડો !

મળતા રહો, રેશમી સ્પર્શથી બહેલાવી લાગણી છાંટતા રહો;
નહીંતર આપણા આ સુંવાળા સંબંધને ક્યાંક લાગી જશે સડો.

પ્યારની આ એક આડ અસર છે સનમ,તમને શું ખબર પડે?
તમે ય ખડખડાટ હસતા હસતા નટવરની જેમ એક દિ રડો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું