લેબલ વીસરી ગયો.. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વીસરી ગયો.. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 6 ડિસેમ્બર, 2014

વીસરી ગયો..

માફ કરજે ખુદા, ઇશ્કમાં હું તને સાવ વીસરી ગયો;
પણ કોઈની યાદના તણખલે ભવસાગર તરી ગયો.

એમની સલામતી ખાતર કમને દૂર થયો એમનાથી;
એઓ સમજ્યા કઠિન રાહ-એ-ઇશ્ક પર હું ડરી ગયો.

આજે ભલે સહુ અવગણે છે મને, દિવાનો સમજીને;
નહીં હોઈશ હું ત્યારે કહેશે કેવા કેવા કામ કરી ગયો.

કદીક ખયાલ બનીને એમને મેં હસીન ખલેલ પાડી;
કદી એમની સુરમઈ આંખેથી આંસુ બની સરી ગયો.

દોસ્ત, તારી દોસ્તીને દાદ દેવી પડશે મારે હવે પણ;
જ્યારે જરૂર પડી ત્યારે જ તું પીઠ બતાવી ફરી ગયો.

ગણી નાંખ્યા બધા સિતારા આકાશના મેં તન્હાઈમાં;
બાકી હતો જે ગણવાનો એ તારો છેહ દઈ ખરી ગયો.

ન સાચવ્યો એમણે મને સપનામાં,ન એમનાં દિલમાં;
છેવટે મારો પડછાયો મને એમનાંથી દૂર હરી ગયો.

નટવરની હયાતી એ જ એક ચરમ સીમા હશે યાર;
જ્યારે સનમ ભૂલશે મને,  સમજી જજે હું મરી ગયો.