શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

જરૂરી છે...

વાત દિલની સમજવા એક સનમ જરૂરી છે;
મૂલ્ય હાસ્યનું સમજવા આંખો નમ જરૂરી છે.

ઉદાસીનું કોઈ ખાસ કારણ નથી હોતું યારા;
ક્યારેક અમસ્તાં ય જિંદગીમાં ગમ જરૂરી છે.

કોઈ આપણું થતા થતા રહી જાય છે ક્યારેક;
તો ય એ આપણું જ હોવાનો ભરમ જરૂરી છે.

આ તન તો આજે છે તો એ કાલે ન પણ હોય;
ઇશ્ક કરવા ઓ સનમ,મનનો સંગમ જરૂરી છે.

ખુદા છે કે નથી  એ તો બસ ખુદા જ જાણે છે;
તો ય દિલને બહેલાવવા એક ધરમ જરૂરી છે.

હાથ તાળી મિત્રો હાલતા ચાલતા મળી જાય;
એમાંથી ઓ યાર,એકાદ મિત્ર પરમ જરૂરી છે.

ક્યારેક એક ભવ ઓછો પડે છે કોઈને ચાહવા;
ત્યારે આ જ ભવમાં ય બીજો જનમ જરૂરી છે.

હું ક્યાં કહું કે તમે મારા સિવાય કોઈને ન મળો;
પણ જ્યારે મળો, તમારે ચહેરે શરમ જરૂરી છે.

દુઆ કરૂં  દિલ તમારું ધડકતું રહે મારા વગર;
તોય હર ધડકનમાં નટવરની સરગમ જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું