શનિવાર, 26 એપ્રિલ, 2014

વાંસળી...

જાણે શ્યામ ક્યાંક વગાડે એ જ છે આ વાંસળી;
જ્યારે વાદીમાં ગુંજતી ખામોશી અમે સાંભળી.

આદમ બચારો કેટલું તડપ્યો હશે ઈવ માટે?
બલિદાનમાં હસતા હસતા આપી દીધી પાંસળી.

તનબદન પુલકિત થઈ ગયું, રોમ રોમ પાવન;
એને સ્પર્શીને આવતી હવા જ્યારે શ્વાસમાં ભળી.

સિતમ ઓછા નથી બેરહમ જમાનાના મારા પર;
એને યાદ કરી જ્યારે તન્હાઈમાં, હર બલા ટળી.

મારી ચાદર પરની કરચલી કહી રહી ઓ દોસ્ત;
નિશા ય રાતભર એકલી એકલી અહીં ટળવળી.

ઇચ્છા,મનીષા,મનસા,મનછા, મંછા ડાકણ જેવી;
એક મટે કે બીજી તરત મનમાં ક્યાંક ખળભળી.
 
જિંદગી તો જિંદગી જ છે, જિંદગી વિશે શું કહેવું ?
જ્યાં મળ્યો કોઈ મુલાયમ ઢાળ,એ તરફ એ ઢળી.

પરવાનાની કુરબાની કદીય સાવ વ્યર્થ નથી ગઈ;
હોલવાતી શમા પરવાનાની યાદમાં વધુ ઝળહળી.

કંઈ જ નથી નટવરની આ કવિતાઓ, દોસ્ત મારા;
બસ, વાત દિલની એણે તો ફક્ત શબ્દમાં સાંકળી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું