શનિવાર, 29 ડિસેમ્બર, 2012

મુરલીની જેમ વાગું...

તું બની રાધા ફૂંક મને, હું ય કાનની મુરલીની જેમ વાગું;
વૃંદાવનમાં જ્યાં જ્યાં કરી’તી રાસલીલા ત્યાં ત્યાં હું ભાગું.

એક વાર તું મળી જાય સ્વપ્નનાં નગરમાં હરતા ફરતા;
તારી સાથે રાસ રમવા હું રાતોની રાતો જિંદગીભર જાગું.


એકવાર તું જો ધારે તો બધું જ તું મને આપી શકે સનમ;
નથી જોઈતું મને કંઈ હું તો ભિક્ષામાં બસ તારું દિલ માગું.

તારાથી વિખૂટાં પડ્યા પછી હું ય બદલાય ગયો છું એવો; 

 નથી ઓળખતો મને આયનો એ ય કરવા લાગ્યો છે ત્રાગું.

કહેવાય છે આ ઇશ્ક તો છે આગનો દરિયો, બળો કે ડૂબો;
બળીને કે ડૂબીને એક વાર એમાં હું ય એના ઊંડાણ તાગું.

તારા સિવાય કોને જઈને કહે નટવર ઘાયલ દિલની વાત?
જ્યાં જ્યાં ગયો બચારો, મળ્યા એને સૌ અહીં સાવ લેભાગુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું