શનિવાર, 24 જૂન, 2017

કેવી રીતે ઊંઘશો?

રાખીને તકિયા નીચે  મારી યાદ, કેવી રીતે ઊંઘશો?
કોઈ ન સાંભળે તમારી ફરિયાદ, કેવી રીતે ઊંઘશો?

વાદળો ગરજશે, વીજળી  ચમકશે, અંધારું ય ઘેરાશે!
આંખમાંથી ઓચિંતો થશે વરસાદ, કેવી રીતે ઊંઘશો?

સપનાંઓ છળશે, એકલતા મળશે, ને પથારી કરડશે!
ખુદમાંથી કરી મને બિલકુલ બાદ, કેવી રીતે ઊંઘશો?

વસમી વાસનાઓને ઢંઢોળી,અસીમ ઇચ્છાઓ ઓઢીને;
રાખીને અધૂરી તનમનની મુરાદ, કેવી રીતે ઊંઘશો?

તારાઓ ગણાય જશે સહુ, ચાંદ ઊગીને આથમી જશે;
ખામોશી કરશે તમારી સાથે સંવાદ, કેવી રીતે ઊંઘશો?

શ્વાસ ઉચ્છવાસ સાથે સતત લડશે, નિસાસા ય નંખાશે!
કરી ખુદને ઇશ્કમાં સાવ બરબાદ, કેવી રીતે ઊંઘશો?

તન તડપશે, મન તરફડશે ને આગ દામનમાં લાગશે;
દબાવી ઊછળતો ઊનો ઊનો ઉન્માદ, કેવી રીતે ઊંઘશો?

શબ્દ શબ્દ અક્ષર અક્ષર નટવરની કવિતાના છે તમારા!
ધડકનો દિલની કરશે ઇર્શાદ ઇર્શાદ, કેવી રીતે ઊંઘશો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું