શનિવાર, 25 ફેબ્રુઆરી, 2017

પાજી હોય છે...

લાગણી પણ સાલી બહુ પાજી હોય છે!
લાગે ઠરી ગઈ છે, પણ તાજી હોય છે!!

જીતવાની મજા ત્યારે જ આવે છે યાર!
હાથમાં તારા હુકમની બાજી હોય છે !!

ન્યાય મારો કોણ કરશે એ નક્કી નથી!
જ્યારે આ આખું જગત કાજી હોય છે !!

જ્યાં એમનાં કદમ પડ્યા, સજદા કર્યા!
મારા જેવો કાફર અંતે નમાજી હોય છે !!

ક્યારેક જવા પૂરતું જવું પડતું હોય છે !
હજે જનાર હર શખ્સ ક્યાં હાજી હોય છે?

એવી મહેફિલથી જોજનો દૂર રહેવું સારું!
જે મહેફિલમાં શબ્દોની હરાજી હોય છે!!

જીવતા જીવતા બસ જીવાય જવાય છે!
આપણું જીવતર સાવ અંદાજી હોય છે !!

જ્યારે એઓ ખબર લેવા આવે ત્યારે જ!
કમબખ્ત તબિયત સાવ સાજી હોય છે !!

કોઈને ગમે ન ગમે નટવર તારી ગઝલ!
જેને માટે તેં એ લખી એ રાજી હોય છે!!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું