શનિવાર, 25 ફેબ્રુઆરી, 2017

એકાદ બહાનું મળે...

સનમ, તને મળવાનું જો એકાદ બહાનું મળે!
તો કોરી ધાકોર આંખોમાં સપનું સુહાનું મળે !

સદાય હારવું છે મારે તારા હાથે હસતા હસતા!
ઇશ્કની બાજીમાં તને હંમેશ હુકમનું પાનું મળે!

કોઈ ખાસ ઇચ્છા નથી બાકી, ન કોઈ મનીષા!
આખરી ઘડી મને તારા ખોળાનું બિછાનું મળે!

જામથી કે પયમાનાથી પીતા કંટાળ્યો છું હવે!
તારી આંખોથી કે અધરોથી થોડું પીવાનું મળે!

નિરાંતે વાંચજે કદી મારી જિંદગીની કિતાબને!
એમાં ફક્ત તારું નામ લખેલ હરેક પાનું મળે!

હાથ હાથમાં ભલે ન હોય, તારો સાથ જોઈએ!
હમસફર તું બને તો જીવવા કારણ મજાનું મળે.

તકિયા નીચે મારી ગઝલ સંતાડી તું સૂતી હોય!
તને જગાડતું એકાદ સપનું મારું છાનુંમાનું મળે!

શોધતો રહે છે નટવર દરબદર ફાની દુનિયામાં!
ડાહ્યાંની મહેફિલમાં એના જેવું કોઈ દિવાનું મળે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું