શનિવાર, 25 ફેબ્રુઆરી, 2017

વિસ્મરણ...

થઈ જાય જો કદી મારાથી તમારું વિસ્મરણ !
તો તો સનમ થઈ જાય તત્કાળ મારું મરણ !!

ન પૂછો તમે મને કે શા માટે જીવી રહ્યો છું !
ઇશ્ક મારો અને તમારો છે જીવવાનું કારણ !!

સમાવી દો આઘોષમાં, છુપાવી દો પાલવમાં!
ખુદને ને ખુદાને છોડી આવ્યો છું તમારે શરણ!

આવીને એમાં એકાદ ડૂબકી લગાવી જાઓ તમે!
યાદમાં તમારી રોઈ રોઈ મેં તો ભર્યા છે રણ !!*

સદા દોડતો રહ્યો જિંદગીભર તરસ લઈને હું!
જેમ જળ ઝાંઝવાનાં પીવા દોડતું રહે છે હરણ !!

રહેવા દો એ માસૂમ લટને તમારા ચહેરા પર !
એ જ એક માત્ર તો છે ધરા પર થતું ચંદ્રગ્રહણ !!

જેવાં છે એવા આપને નજરભરી નિહાળવા છે!
કદીક હટાવો ચહેરા પરથી શરમનું આવરણ !!

જ્યારે નીકળું મારા ઘરેથી ક્યાં ય પણ જવા હું!
તમારા જ ઘર તરફ વળી જાય છે મારા ચરણ !!

લખી લખીને લહિયો થઈ ગયો છે આ નટવર !
શબ્દોમાં ન ઢાળી શક્યો લાગણીનું તારણ !!(*મહાન કવિવર શ્રીમાન અમૃત ઘાયલની પંક્તિ પરથી પ્રેરિત.)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું