શનિવાર, 17 ડિસેમ્બર, 2016

માણસ...


બંધ આંખોએ રાતભર યદા કદા જાગતો રહે છે આજનો માણસ;
ખૂલી આંખોએ સપનાની પાછળ ભાગતો રહે છે આજનો માણસ.

ગનીમત છે કે ફૂટી નથી જતો એ સાવ આસાનીથી એ આજકાલ;
વર્ના જીવવાની હાયવોયમાં ખુદને દાગતો રહે છે આજનો માણસ.

ચહેરા પર ચહેરો ને ઉપરથી એના પર પણ એક નવો જ પહેરો;
સદા સિકલ બદલતો આયનામાં તાગતો રહે છે આજનો માણસ.

ક્યાંક એક ખૂણામાં છુપાવી આંખોમાં આંસુ હસતો રહે મહેફિલમાં;
અંદરથી સાવ પોલો ઢોલકીની જેમ વાગતો રહે છે આજનો માણસ.

નથી આપ્યું કદી,ન કદી આપી શકે,ન કદી આપશે ભગવાન કોઈને;
જાણીને પણ અજાણ બની પ્રભુ પાસે માંગતો રહે છે આજનો માણસ.

ઇશ્કની આગથી સતત બચતો રહેતો, છાસ ફૂંકી ફૂંકીને પીતો રહેતો;
કોઈ સુંવાળા મુલાયમ સ્પર્શથી સતત દાઝતો રહે છે આજનો માણસ.

ઉંબર ઘરનો ઓળંગતા પણ કદમ ડગમગે તો ભલે ડગમગે નટવર;
ઘરની બહાર પડ્યા પછી હર સીમા લાંઘતો રહે છે આજનો માણસ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું