સોમવાર, 24 ઑક્ટોબર, 2016

આવિષ્કાર...

ખુદમાંથી ખુદનો કરો જો ભાગાકાર;
તો જ ખુદા સાથે થવાશે તદાકાર.

ઇશ્ક ઇશ્ક ભજતા ભજતા સમજાયું;
એક અહેસાસ એવો છે જે નિર્વિકાર.

બસ અલ્લા ને ઈશ્વર થઈ જાય એક;
તો તો થઈ જાય એક ભારે ચમત્કાર.

માણસ માણસ રમતા રમતા અહીં;
હર શખ્સ થઈ ગયો કુશળ અદાકાર.

હર સમી સાંજે ડૂબતા સૂરજની સાખે;
સાંભળુ હું ખામોશીનો રંગીન રણકાર.

દિલ મારા, તારી કેવી આ બેવફાઈ!
એક બેવફાના નામે લે તું ધબકાર ?

ગયા એ નથી આવવાનાં કદી પણ;
તોય થાય એમનાં આવવાનો ભણકાર.

આંખ ખૂલી હોય કે હોય બંધ નટવર;
થવાનો હોય તો થાય છે આવિષ્કાર.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું