શનિવાર, 22 ઑક્ટોબર, 2016

વિકટ છે...

બહુ એ વિકટ છે,
હર કોઈ નટ છે.

નથી એ ચંદ્રગ્રહણ;
ચહેરા પર લટ છે.

શું સમજવું મારે?
ચહેરે તો ઘૂંઘટ છે.

હોઠ ખામોશ રહ્યા;
આંખોમાં પટપટ છે.

ઇશ્ક કર્યો આપણે!
આપણો ય વટ છે!

જિંદગી ય કેવી?
ભારે ખટપટ છે.

મરવા ધીમે ધીમે;
જીવવું ઝટપટ છે.

પાંપણે છે આંસુંઓ;
આંખ એ પનઘટ છે.

છે નદી છલોછલ;
સાવ કોરો પટ છે.

સુખ સહુ પારકાં;
દુઃખથી ઘરવટ છે.

મારી કવિતાઓમાં;
બધી ચોખવટ છે.

ઠગી જશે નટવર!
લાગણી નટખટ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું