સોમવાર, 5 સપ્ટેમ્બર, 2016

ખબરમાં રહું છું...

બેખબર છું કે હું ખબરમાં રહું છું;
કોઈ દિલ ન મળ્યું,ઘરમાં રહું છું.

તમને મારી જ નજર લાગી જશે;
હું સનમ,તમારી નજરમાં રહું છું.

પીધું છે અધરોથી ભરપૂર હુસ્નને;
એની અલમસ્ત અસરમાં રહું છું!

મળી જશે મંજિલ મળતા મળતા;
રાહ ફંટાયો છે, હું ડગરમાં રહું છું.

સખી પૂછશે તમારી તન્હાઈ વિશે;
કહો ન કહો, એના ઉત્તરમાં રહું છું.

પ્રવાસ છે જનમથી મોત સુધીનો !
શ્વાસોશ્વાસના સહારે સફરમાં રહું છું.

ખુદા છે?  ખુદાનું તો ખુદા જ જાણે;
બની શ્રદ્ધા નિર્જીવ પથ્થરમાં રહું છું.

ખર્ચાય ગઈ છે સઘળી લાગણીઓ;
આજકાલ ભારે  કરકસરમાં રહું છું.

ન શોધશો નટવરને અહીં તહીં હવે;
મારી કવિતાના હર અક્ષરમાં રહું છું!
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું