રવિવાર, 12 જૂન, 2016

અનુત્તર છે...

પ્રશ્ન પ્રેમનો ભલે અનુત્તર છે;
હ્રદય પણ કદીક પથ્થર છે.

લાગણીઓની આગમાં બળે;
આ માનવી બહુ સધ્ધર છે.

ઓગળી જઈશ સનમ એમાં;
આગ મારા ઇશ્કની પ્રખર છે.

તારા ગુલાબી ગાલે જે તલ;
એ પ્રભુનો જ એક અક્ષર છે.

આશરો છે દિલ કે નજરનો;
પ્રેમ તો એના પર નિર્ભર છે.

કોણ કેવું છે એ કેમ જાણવું?
હરેક ચહેરા પર બખ્તર છે.

આત્માનું મિલન હોય પ્રેમ;
મનોહર દેહ સાવ નશ્વર છે.

શ્રદ્ધાનો એ વિષય છે દોસ્તો;
પથ્થરમાં ય ક્યાંક ઈશ્વર છે.

આખરી મુકામની વાત કરો;
ચાર બાય આઠની કબર છે.

આ જિંદગી ય એક તખ્તો છે;
ને હર કોઈ અહીં નટવર છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું