રવિવાર, 26 જૂન, 2016

વરસાદ વરસાદ રમીએ...

ચાલો, આજે વગર વાદળે વરસાદ વરસાદ રમીએ;
છલકાવી આંખો આપણે અવસાદ અવસાદ રમીએ.

કરી યાદ પેલા પહેલાં ચુંબનના અસલી રોમાંચને;
કોરા કોરા ચાર હોઠો વડે આસ્વાદ આસ્વાદ રમીએ.

હું જો તમને યાદ કરું તો તમે મને વીસરી જાઓ;
વીસરવા એકમેકને કદી કદીક યાદ યાદ રમીએ.

વધારે ઓળખીશું આપણે એકમેકને સનમ એ રીતે;
બેસી નિરાંતે ક્યાંક,આપણે ફરિયાદ ફરિયાદ રમીએ.

ઇશ્ક કરે એ જાણે એની મજા, જાણે એ એની સજા;
વીસરી દુનિયાને આપણે  આબાદ આબાદ રમીએ.

ફરી મળી ફરી દૂર થઈ ફરી મળીએ,ફરી દૂર થઈએ;
આ રીતે જ વિતાવી જિંદગી નાશાદ નાશાદ રમીએ.

સજાવી મહેફિલ એકમેકના હસીન ખયાલની દિલમાં;
તન્હા તન્હા ખામોશી માણતા ઇરશાદ ઇરશાદ રમીએ.

મંદિરનાં ગુંબજ નીચે પઢી પાંચ પાંચ પાક નમાજ;
કરી મસ્જિદે આરતી ત્યાં શંખનાદ શંખનાદ રમીએ.

લાગણી ઠાલા શબ્દમાં ક્યાં ઠાલવી શકે છે નટવર?
લખી કવિતાઓ આપણે અપવાદ અપવાદ રમીએ.

[નાશાદ= નાખુશ; ગમગીન; નારાજ (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું