રવિવાર, 26 જૂન, 2016

ડફોળ...


જ્યારે જોયા એમને વરસાદમાં થતા તરબોળ!
એમનાં પર યાર, હું તો થઈ ગયો ઓળઘોળ!

ફક્ત હું જ નહીં,મેઘો પણ થઈ ગયો છે ઘેલો;
નિહાળીને એમના હસીન હુસનની છાકમછોળ.

પાલવ સરકતા સરકતા સહેજ જ રહી ગયો;
કાશ!વરસાદની સાથ સાથ હોત થોડો વંટોળ.

હું હતો ત્યાં ને ત્યાં જ ઊભો રહી ગયો અવાક;
ફરતી રહી આસપાસ મારી સૌંદર્યની ચકડોળ.

ચોરી ચોરી એમને જોતા મને એઓ જોઈ ગયા;
ને ગુલાબી ચહેરો એમનો થઈ ગયો રાતોચોળ.

કેવી રીતે મેળ પડશે એમનો અને મારો હવે?
ચહેરો મારો છે ચોખંડો, એમનો છે ગોળમટોળ.

ફરી મળવાનો કરી વાયદો ન આવ્યા કદી એ;
જતા જતા જાણે એ કોણીએ લગાડી ગયા ગોળ.

હું સદા જેને બેપનાહ ચાહતો રહ્યો જિંદગીભર;
કરી રહ્યા હતા સદા એઓ મને ચાહવાનો ડોળ.

કોણ અહીંયાં કેવું કેવું છે એ કેમ કરી પારખવું?
પિત્તળનાં હરેક ચહેરાઓ પર છે સોનાનો ઢોળ.

સહુને હળી મળી ઢળી ઢળી મળતો રહ્યો હું તો;
ને દુનિયા આખી નટવરને સમજતી રહી ડફોળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું