રવિવાર, 12 જૂન, 2016

ખુદા પાસે ચાહું....

ન તો હું કંઈ વધુ ખુદા પાસે ચાહું, ન કંઈ વધારે માંગું;
બસ સનમ,તારા સપનાઓ જોતા જોતા રાતભર જાગુ.

તું એક વાર મને તારા પ્યાસા અધરોએ લગાવીને જો;
છું સાવ પોલો,એટલે જ હું શ્યામની બંસરીની જેમ વાગું.

ખુલ્લી કેદમાં ઉમરકેદની સજા પામેલ ગુનેગાર જેવો છું;
તારી નજરકેદમાંથી કહે કેવી રીતે તારાથી હું દૂર ભાગુ?

તારી એક નજરે મને એવું તો શું કર્યું તું સમજાવ સનમ;
આયનામાં નિહાળ્યું તો હું પણ મને તારા જેવો જ લાગુ.

મારું જ છે ને મારા જ કહ્યામાં ન રહે કદી એ તો યાર;
દિલ તો દિલ છે, દિલ પણ ક્યારેક ક્યારેક કરે છે ત્રાગું.

બહુ સાચવ્યું તોય હું સાવ જ લૂંટાઈ ગયો હું ભરબજારે;
કમબખ્ત આ લીલીછમ લાગણીઓ નીકળી બહુ લેભાગુ.

પ્રેમની આ એક પરાકાષ્ઠા નથી તો બીજૂં શું છે સનમ?
ઘર હોય કે પછી મંદિર, પ્રભુની જગાએ તારી છબી ટાંગું.

ખતરનાક વિસ્ફોટક બન્યો હવે નટવર ઇશ્કની આગમાં;
રોજબરોજ એક સાવ નવા છેડેથી મારી જાતને જ હું દાગું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું