મંગળવાર, 17 મે, 2016

મારી યાદ...

ત્યાં તને  આવી મારી યાદ ને અહિં ખીલ્યો છે ગુલમહોર;
તને અહિં  યાદ કરી કરી નાચી ઊઠ્યો મારા મનનો મોર.

આવી ગઈ છે હવે આંસુની મોસમ, આહ ભરવાની ઋતુ;
નથી ચોમાસું તો મારા મનનું આકાશ રહે છે ઘનઘોર.

એ જ આશામાં જીવતા રહેવું હવે જિંદગીભર આપણે;
શ્યામ વાદળોમાં ક્યાંકને ક્યાંક સંતાયેલ છે રૂપાળી કોર.

સુમસામ ખામોશી પડઘાય રહી છે મારા સુના સુના મનમાં;
તૂટેલ હ્રદયના ધબકારાઓમાં સંભળાઈ ખામોશીનો શોર.

સાંજ ડૂસકે ચઢી તારી યાદમાં,થઈ ગઈ ગતિ રાતની ધીમી;
થીજ્યો કાળ,રહ્યું નથી સમયના પગમાં પહેલાં જેવું જોર.

જખમો કોતરવાની થઈ ગઈ છે આદત હવે  દરેક હાથોને.
મહેફિલમાં સહુ કોઈ આવ્યા છે સજાવી પોત પોતના નહોર.

કોણ કોને સજા આપે નટવર, કોણ કોનો કરશે અહિં ન્યાય?
શેઠ શાહુકારના વેશમાં ફરતા રહ્યા અહિં તો ભાઈ સૌ ચોર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું