મંગળવાર, 17 મે, 2016

છલકતું જામ છે...

સનમ તુ જ મારી અધૂરી પ્યાસ ને તુ જ મારું છલકતું જામ છે;
કદી તને નજરથી પીઉ,કદી પીઉ અધરથી, મારે એ જ કામ છે.

તારી જિંદગી વિશે તું જાણે સનમ,તારી મરજી સર આંખો પર;
મારી જિંદગી સનમ, જનમથી જેવી છે એવી તારે જ નામ છે.

તું મને શોધતી રહી દરબદર ને શોધતો હું તને રહ્યો ઠેર ઠેર;
જો તો ખરી,એકબીજાનાં દિલમાં જ આપણા બન્નેનો મુકામ છે.

ન જાઉં સનમ,હું કદી ય કાશી મથુરા, ન તો કદી કરું હું હજ;
જ્યાં જ્યાં પાવન પગલા થયાં તારા, ત્યાં મારા ચારધામ છે.

તારા હુસ્નને ભલે તું છુપાવતી રહે સપ્તરંગી રેશમી પાલવમાં;
તને જાણ નથી ઓ સનમ,તારા રૂપ રંગની ચર્ચા ગામેગામ છે.

મળ્યા પછી એક વાર તને ધીરે ધીરે ખુદથી અલગ થઈ ગયો;
તને બેપનાહ ચાહવાનો સનમ, આ તે કેવો અજબ અંજામ છે?

જીવલેણ મરજ-એ-ઇશ્કનો દરદી છું એટલે છે મરણ દવા એની;
લીધી ખબર જ્યારથી તેં મારી, ત્યારથી થોડો થોડો આરામ છે.

મશહૂર થવાની આશમાં રાહ-એ-ઇશ્ક પર ચાલ્યો હતો નટવર;
સીધો સાદો સરળ લાગતો એ નટવર આજે ઠેર ઠેર બદનામ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું